ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

એક જીવન, એક ધ્યેય (લક્ષ)


આપણા જીવનનો હેતુ શું? આપણે શા માટે જીવીયે છીએ? અનેક જવાબ હોય શકે, જેમ કે જન્મ્યો એટલે જીવું છું, મોત આવતું નથી એટલે જીવુ છું, મારે મોજ કરવી છે એટલે જીવુ છું, મારા પરીવાર માટે જીવુ છું, હું કંઈક બનવાં માગું છું એટલે જીવુ છું, હું અત્યારે અને ભવીષ્યમાં પ્રસિધ્ધ થવાં ઇચ્છુ છું એટલે જીવુ છું. એક યુવાન કહે છે કે મારે ડોક્ટર થવું છે, એ ડોક્ટર બને એટલે તેનો વ્યવસાયીક ધ્યેય સિધ્ધ થયો. પરંતુ હજુ તેને જીવન હેતુ વિહિન લાગે છે. વાત અહિં પૂરી થતી નથી માનો કે મારે પોતાની હોસ્પિટલ છે, તો ઇચ્છીત મળ્યાની ખુશી જરુર છે પણ જીવનમાં હજુ કઈંક ખુટે છે. જીવન ઉદ્દેશ હજુ એક કોયડો છે. એક બેફિકર યુવાન કહે છે હું જીવનને માણવા માંગુ છું, તે કેટલીક રૂપસુંદરીઓ સાથે હરે ફરે છે, કેટલીક સાથે લીવ-ઇન રીલેશનશીપથી જીવે છે, પણ આખરે તે ભાંગી પડે છે. જેમાંથી આનંદ મેળવવાનું તેને વિચાર્યુ તે જ સ્વભાવથી ક્ષણભંગુર હતું. દરેક આઘાત તને વધારે ભગ્ન, હારેલો અને એકલો છોડી દે છે. આપણે શા માટે જીવીયે છીએ? દરેક તબક્કે જવાબ અલગ હશે, ઇચ્છા પૂર્ણ થવા છતાં એ તબક્કો પૂર્ણ થઇ જતા ત્યાં સંતોષ હશે નહિ. માનવીય ઇચ્છાઓનો કોઇ અંત નથી, તેની પૂર્તી પછી પણ અસંતુષ્ટ રહે છે. આવું શા માટે ?

બે પ્રશ્નો ઉદભવે ત્યારે જ ખરું જીવન પ્રારંભ થાય છે, શું હું આ કરવા માટે સક્ષમ છું? હું સામાન્ય જીવન જીવવા માંગતો નથી ને ? એકનાથજી કહે છે કે જો કોઇ એકાદ-બે માણસ તે કામ કરી શકે તો હું પણ તે કરી શકું. શું હું નબળી માટીનો છું? (શું હું અક્ષમ છું?) હું પણ દિવ્યાત્મા છું. સંતાપ આપનારી ઇચ્છાઓની પૂર્તી પછી મનુષ્ય પોતાની આસપાસ જુએ છે, કુદરતને સમજવા મથે છે, તેની સમજમાં પ્રકૃતીના અમુક સિધ્ધાંતો આવે છે, જગતનું અસ્તિત્વ કોઇ અકસ્માત નથી, કુદરતમાં ચોક્કસ નીયમો છે. સુર્યનું ઊગમ, નદીનું વહેવું, વ્રુક્ષનું વિકસવું, ફળ ફુલનું ખિલવું અને પર્વતનું  અડગ રહેવું, ચોક્કસ નીયમોને આધીન છે. સૂર્યમાળાની રચનાનું સુક્ષ્મ સ્વરૂપ અણુમાં પણ છે. આખું  વ્રુક્ષ બીજમાં અને વિશ્વ નાના અણુમાં સમાયેલું છે. વિશાળ વિવિધતા એ દર્શાવે છે કે તે કોઇ ચોક્કસ યોજનાનો હિસ્સો છે. અને આ બધુ યોજનાબધ્ધ હોત તો તેની પાછળ ચોક્કસ હેતુ હોવો જોઇએ. વિંછી કે ગરોળીનું ઔચિંત્ય આપણે જાણતા નથી. ગુલાબ જેવા સુંદર ફુલ હોવા છતાં થોરના ફુલનું હોવું આપણને અજુગતુ લાગે છે. આપણને સમજાતું નથી, એનો મતલબ એ નથી કે તેના હોવાનો કોઇ હેતુ નથી, જગતમાં દરેકના જીવનનો કોઇ ચોક્કસ હેતુ છે, આ અરાજકતા નથી, સામંજસ્ય છે.

દિવાની આસપાસ ફરતું અને એમાં પડીને જીવન ગુમાવતાં જીવડાના જીવનનો હેતુ સમજવામાં આપણે નિષ્ફળ જઇએ છીએ. હકિકત એ છે કે આપણે અજ્ઞાન છીએ, જેમ જેમ આપણે વધુને વધુ શીખવાનો પ્રયત્ન કરીયે તેમ તેમ આપણી અજ્ઞાનતાની જાણ થતી જાય છે. જગત અનઅપેક્ષીત કોયડાઓનુ સંકુલ છે. એક ઉકેલીયે ત્યાં બીજો સામે આવે પણ એ ચોક્કસ કે દરેકનું અસ્તિત્વ હેતુસભર છે, હેતુવિહિન કશું નથી. આથી આ વિશ્વમાં દરેકે પોતાના હેતુની પૂર્તી કરવાની રહે છે, તો પછી મારા અસ્તિત્વનો હેતુ શું? આ પ્રશ્નોનો ઉદભવ એ માનવ વિકાસ યાત્રામાં સીમાચિહ્નરૂપ અને અર્થસભર છે. મારા જીવનનું ધ્યેય શું? મારા જીવનનો અર્થ શું? આ પ્રશ્નો બાકી બધા વિચારો કે ચર્ચાઓ કરતા વધુ મહત્વનો છે. બાકી બધુ ગૌણ છે. જ્યાં સુધી આ સવાલ ઉદભવ્યો નથી, ત્યાં સુધી પુખ્ત, ભણેલ કે સ્વાસ્થવાન વ્યક્તિ પણ એ બાળકની કક્ષાનો છે જે માને છે કે પાણી નળ પેદા કરે છે. પણ જ્યારે તે બાળક વિકસે અને સમજણો બને તો ધીરે ધીરે તેને સવાલ થાય છે પાણી ખરેખર ક્યાંથી આવે છે? અને તેની શોધમાં તેને સમજાય છે કે હિમાલયમાંથી વહેતી યમુના એ જળને વિવિધ શહેરો અને કસ્બાઓમાં પહોંચાડે છે. શા માટે? ક્યાંથી? ક્યાં હેતુ માટે? અને અંતે શું? એ પ્રશ્નો માનવ મનમાં જ્યારે ઉદભવે ત્યારે તે સાચા રસ્તે હોય, જાત પ્રત્યે જાગૃત મનુષ્ય એ માનવીય ઉત્ક્રાંતીનું સીમાચિહ્ન છે.

અનંતની ભૂખ (આંતરીક ભૂખ – Eternal)
                               મનુષ્ય એ જાણીને આશ્ચ્રર્યચકિત થઇ જાય છે કે જગતમાં કશું જ શાશ્વત નથી, બધુ જ નાશવંત છે. તો પછી પોતાના જીવન વીશે શું? આજે છે, આવતીકાલે ન પણ હોય, તો શું કંઇ એવું છે કે જે શાશ્વત છે અને જો હોય, તો તે શું છે? તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આવી નવી ભુખ તેનામાં ઉઘડે છે. જે માનવ જીવનની ઉચ્ચત્તમ ભુખ છે, આત્મજ્ઞાનની ભુખ. આ મહાપ્રશ્ન તેના મનમાં ઊભો થાય એટલે બાકી બધુ ગૌણ બની જાય છે.
                
 આ પ્રશ્નના ઉકેલ દ્વારા ઉચ્ચતર ભુખને શાંત કરવામાં સાર્થકતા છે, જેમ જેમ મનુષ્ય સાચી દીશામાં વિકાસ કરતો જાય તેમ તેમ સુક્ષ્મ ઇચ્છઓ તેનામાં જાગે. આવી ઉમદા ભુખ બુધ્ધના મનમાં જાગેલી. અગાધ પ્રેમ અને આનંદના ભાવ સાથે આ ઉમદા ભુખને શાંત કરવા માનવને હાંકલ કરેલ. આવા પ્રશ્નોના ઉદભવ સાથે જ ખરા અર્થમાં મનુષ્યનો સાચો જન્મ થયો ગણાય. હવે હેતુસભર જીવનનો પ્રારંભ થાય, ત્યારે જ તે જીવન જીવવાનો ખરો પ્રારંભ કરે છે બાકી ત્યાં સુધી હયાતીથી વિશેષ કંઇ હોતું નથી. જેના જીવનમાં આ પ્રશ્ન ઉદભવ્યો નથી તેણે જીવનનો પ્રારંભ કર્યો નથી.

-નિવેદીતા રઘુનાથ ભીડે                          

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો