રવિવાર, 8 ફેબ્રુઆરી, 2015

પ્રજાસતાક દિન નિમિત્તે પ્રાસંગીક : બંધારણનુ મૂલ્ય

        સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વએ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. દુનિયાની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં આ બન્ને પર્વોનું મહત્વ સર્વોચ્ચ હોવુ જોઇએ. સ્વતંત્રતા શરીર છે તો બંધારણ તેનો પ્રાણ છે. સ્વતંત્રતા મહામૂલી હોવાથી અસંખ્ય દેશભક્તોએ તેની પ્રાપ્તિ માટે પોતાના પ્રાણની આહૂતિ આપી. આઝાદી પછી આબાદી માટે લોકશાહીના કરોડરજ્જુ સમા બંધારણ પ્રત્યેની વફાદારી અપેક્ષિત નહિ, અનિવાર્ય છે.

        વ્યક્તિગત આસ્થાના સ્તરે આપણા આરધ્ય દેવ-દેવી ભિન્ન હોઇ શકે, કોઇ ભગવાનને, કોઇ અલ્લાહને,કોઇ ઇશુને કે કોઇ અન્ય વંદનીય આરધ્યની ઉપાસના કરી શકે પરંતુ સામૂહિક સ્તરે આપણુ આરાધ્ય આપણું ‘ભારત’ છે. ‘રાષ્ટ્ર એ જ દેવ.’

         એવી જ રીતે શ્રધ્ધેય ગ્રંથ- ગીતા, કુરાન, બાઇબલ કે અન્ય પવિત્ર ધર્મગંથ હોય શકે. પરંતુ સામૂહિક સ્તરે આપણા સૌ માટે ભારતીય બંધારણ એ જ ઉપાસ્ય ગ્રંથ છે.

        જે લોકો ધાર્મિક લાગણી દુભાયાની વાત કરી રાષ્ટ્રીય વિકાસને, રાષ્ટ્રની પ્રભુસત્તાને, સંરક્ષણને, સંસ્કૃતિને પુષ્ટ કરનારી બાબતોમાં રોડા નાખે છે તેઓ અધાર્મિક છે.

        ભારતની જન સંખ્યા જણાવવી લગભગ કોઇના માટે અઘરી બાબત નથી પરંતુ ‘ભારતીય નાગરિક’ ની સંખ્યા અંગેના પ્રશ્નમાં કોઇપણ વિશારશીલ અનઉત્તર થઇ જશે ! જન્મ સાથે આપણને ભારતિય નાગરિક્ત્વ પ્રાપ્ત થાય છે પરંતુ સાચી રીતે તો જ્યારે કોઇપણ વ્યક્તિમાં સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને જવાબદારીપણું વિકાસ પામે ત્યારે જ તે નાગરિક બને છે.

        સ્વતંત્રતામાં અધિકાર પ્રાપ્તિનો આનંદ હોય છે. તો બંધારણ પાલનમાં ફરજનિષ્ઠાનો સંતોષ. આનંદ જીવનમાં આવશ્યક છે. પણ તે “ સર્વ જન સુખાય. સર્વ જન હિતાય” હોય તે જરૂરી છે અથવા તેમાં બાધક ન હોવો જોઇએ.

        સ્વાતંત્ર્ય એ એક જવાબદારી છે. તેમાં આપણી પાસે શાલીનતાની અને જાગૃતિની અપેક્ષા છે દરેક જવાબદારી –પડકારો ને પહોંચી વળવા માટે  ચોક્કસ નીતિ-નિયમો એટલે કે બંધારણની આવશ્યાકતા છે. કિનારા વગર નદી પોતાનું અસ્તિત્વ ખોઇ નાખે તેમ નિયમો ના પાલનમાં બેફિકર કે ઉદાસીન અને માત્ર અધિકાર અને હક્કો માટે લાલાયિત સ્વાતંત્ર્ય  એટલે સ્વછંદતા. લોકશાહી એ સામૂહિક સ્વરૂપ છે પરંતુ વ્યક્તિગત ફરજનિષ્ઠા અને જવાબદારીપણું લોકરાજને મજબુત બનાવે છે.  સ્વાતંત્ર્યતાના વાતાવરણમાં અધિકારોની પ્રાપ્તિની લડાઇઓ વચ્ચે સમજણની વાત એ છે કે અધિકાર અને ફરજ પરસ્પર જોડાયેલ  છે. એક પિતા પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે તો તેના સંતાનોને પોતાના અધિકારો  આપોઆપ પ્રાપ્ત થશે. એક પતિની ફરજ તેની પત્નિના અધિકારોની સુરક્ષા કરશે. જેવું સામાજિક જીવન્માં, તેવું જ વ્યવસાયિક ક્ષેત્રમાં, તેવું જ રાજકીય અને અન્ય ક્ષેત્રોમાં, એટલે અધિકાર પ્રાપ્તિની લડાઇઓ પડતી મુકી, ફરજ અદાયગીનું અભિયાન ઉપાડીશું તો સમાજની ઘણી અવ્યવસ્થા, વિખવાદ, અસહિષ્ણુતા, હિંસા આપોઆપ શમી જશે.

        રાષ્ટ્રીય પર્વની ઊજવણીનું લક્ષ્ય જવાબદાર અને ફરજનિષ્ઠ નાગરિક ઘડતર માટે ભાવાવરણ નિર્માણ કરવાનું, રાષ્ટ્રીય સંસ્કારોનું વાવેતર, સંવર્ધન અને સંરક્ષણ કરવાનું હોવું જોઇએ. એટલે કે આપણે એ પ્રકારે પ્રજાસત્તક દિન ઊજવીએ તો એ ઊજવણી સાર્થક ગણાય.

નરેન્દ્ર જી. ત્રિવેદી.
      પ્રમુખ, ગુજરાત પ્રાંત
   વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી

1 ટિપ્પણી: